રિક્ષા ચાલકને રૂ. 1 લાખ મળ્યા પણ લાલચ વિના મૂળ માલિકને પરત કરી અમીરી બતાવી
રાજકોટ જિલ્લા નાં સરકારી શિક્ષક ને નાણાં પરત કરતો રીક્ષા ચાલક..
રાજકોટ જિલ્લાના સાંઢવાયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ પરસાણા ખરીદી કરવા માટે ગોંડલ આવ્યા હતા. બેન્કમાંથી 1 લાખ રૂપિયા ઉપાડીને ખરીદી કરવા માટે બજારમાં પહોંચ્યા હતા. બજારમાં જતી વખતે રસ્તામાં બાઇક પર રાખેલી ત્રણ થેલીમાંથી જેમાં રૂપિયા 1 લાખ જેવી મોટી રકમ હતી એ થેલી રસ્તામાં જ ક્યાંય પડી ગઈ હતી.
રસ્તા પર પડેલી આ થેલી ગોંડલની સુમરા સોસાયટીમાં રહેતા શબ્બીરભાઈ પઠાણ નામના યુવાનને મળી હતી. શબ્બીરભાઈ ઓટો રિક્ષા ચલાવે છે અને સાથે સાથે છૂટક મજૂરી પણ કરે છે. માંડ માંડ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકે પોતાને મળેલી થેલીમાં જોયું તો રોકડા રૂપિયા 1 લાખ હતા. કોરોના મહામારીને કારણે આર્થિક ભીંસમાં સપડાયેલા કોઈપણ મજૂરને એમ થાય કે ભગવાને મને મદદ કરી પણ શબ્બીરભાઈને એ વિચાર આવ્યો કે આ રકમ જેની હશે એની અત્યારે કેવી પરિસ્થિતિ હશે ?
આ રકમ કોની છે એની કેમ ખબર પડે ? થેલીમાં રૂપિયાની સાથે પાસબુક પણ હતી. શબ્બીરભાઈએ પાસબુક જોઈ. બીજી તો ખબર ન પડી પણ પાસબુકમાં પ્રવીણભાઈનો મોબાઈલ નંબર લખેલો હતો એટલે તો એટલી તો ખબર પડી ગઈ કે જેના આ રૂપિયા છે એની જ પાસબુક છે અને પાસબુક પર લખેલો નંબર પણ એનો જ છે.
શબ્બીરભાઈએ તુરત જ એ મોબાઈલ નંબર પર કોલ કર્યો. વાત કરી એટલે ખબર પડી કે 1 લાખ રૂપિયા એના જ છે. શબ્બીરભાઈએ કહ્યું, “ભાઈ, તમે કોઈ ચિંતા ન કરો. તમારી થેલી મને જ મળી છે અને થેલીમાં રહેલા રૂપિયા પણ મારી પાસે જ છે તમે જ્યાં હોય ત્યાં આવીને હું તમારા રૂપિયા તમને પાછા આપી જાવ.’
રિક્ષા ચલાવીને અને છૂટક મજૂરી કરીને માંડ માંડ પરિવારનું ગુજરાન ચલાવતા શબ્બીરભાઈએ રસ્તામાંથી મળેલી 1 લાખ જેવી રકમ એના મૂળ માલિકનો સામેથી સંપર્ક કરીને પરત કરી.