અતિ મોહમાં બંધાયેલો માણસ જ મોહભંગ થતા સાચો વૈરાગી બનીશકે છે.

0

આજે વાત આવા જ એક ઝંઝાવાતી પ્રભાવ વિષે વાત કરવી છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ વિષે આવું કહેવાય છે કે સામ સામ છેડાના બે પ્રસંગો કોઈ એક વ્યક્તિના નામે હોઈ તો એ ભગવાન કૃષ્ણ ના નામે ”ચીર પુરવા અને ચીર હરવા” આજે આવીજ એક ઘટના વિષે  જણાવવું છે. વાત છે ઉજ્જેનના મહારાજ ભર્તુહરિ(ભરથરી)ની જેમણે અતિ મોહમાં હતા ત્યારે ”શૃંગારશતક” અને મોહભંગ થયા પછી ”વૈરાગ્યશતક” ની રચના કરી. (શતક એટલે એક સો) .

દરેક મનુષ્યના જીવન માં જિંદગી બદલી નાખતી અમુક ઘટનાઓ બનતી હોય છે. જેને આજના સમયમાં આપણે લાઈફટર્નિંગ પોઇન્ટ કહીયે છીએ. ઇતિહાસ માં આવી ઘણી ઘટનાઓ જોવા મળે છે,જેમાં આદિકવિ કાલિદાસ ,સુરદાસ, ઋષિ વાલ્મિકી,ગાંધીજી, જો ગાંધીજીને ગોરા લોકોએ સાઉથ આફ્રિકામાં ટ્રેન માંથી નીચે ના ફેંકી દીધા હોત તો કદાચ ગાંધીજી ભારતમાં આઝાદી ના મસીહા ન બન્યા હોત.આવીજ રીતે જિંદગીના આવા વળાંક ઉપર મનુષ્ય પોતાની જાત સાથે કેવીરીતે વર્તે છે એના ઉપર એની આગળની જિંદગી આધારિત હોય છે. આવી ઘટના કોઈ સાથે બને તો એનો પ્રભાવ ભલે આખા સમાજ ઉપર ના પડે પરંતુ એની નિજી જિંદગી ઉપર ખુબજ પ્રચંડ પ્રભાવ પડતો હોય છે.

ભર્તુહરિ વિષે ઘણા ગ્રંથ માં ઉલ્લેખ જોવા મળે છે આલગ અલગ માન્યતાઓ પણ છે.જેમાં ભર્તુહરીને  મહારાણી પિંગળા સાથે ખુબજ હેત પ્રીત હોય છે.સંપત્તિ સંસ્કારની કઈ કમી નથી. બધો રાજ્યવ્યવહાર સકુશળ ચાલે છે.રાજા અને પ્રજાને પિતા પુત્ર જેવી પ્રીતિ છે. એક દિવસ રાજ્ય સભામાં એક બ્રાહ્મણ આવીને રાજાને એક અમરફળ(હંમેશા યુવાની ટકાવી રાખતું ફળ) આપે છે,રાજાને એમની મહારાણી ખુબજ પ્રિય હોવાથી રાજા એમ વિચાર કરે છે કે હું યુવાન રહુ એના કરતા મારી પિંગળા અમર બને તે ફળ રાણીને આપે છે.પરંતુ અહીંયા પરિસ્થિતિ કઈ અલગ જ છે, રાણી તે ફળ તેના સારથી(પ્રેમી)ને આપે છે. સારથી વ્યભિચારી હતો તે અમરફળ એક નગરવધૂને આપે છે. તે સ્ત્રી એમ વિચારે છે કે હું આ ફળ ખાઈને અમર બનું અને હજારો વર્ષો સુધી આ દેહને વ્યભિચારી લોકો ચૂંથે એ કરતા આ ફળ લાખોના પાલનહાર એવા મહારાજા ભર્તુહરિને આ ફળ આપું અને તે અમર થાય. આવી રીતે તે અમરફળ ફરતું ફરતું પાછું રાજા ભર્તુહરિ પાસે આવે છે અને રાજાનો સુષુપ્ત આત્મા જાગી જાય છે કે પ્રાણથીય વધુ જેને પ્રેમ કર્યો તેણેમને આવી રીતે દગો આપ્યો.એજ સમયે રાજા ભર્તુહરિ સન્યાસ લઇને વનની વાટ પકડે છે.(આવા સમયે સુષુપ્ત આત્મા જાગવો પણ જરૂરી છે નહિ તો આજના સમયમાં કેટલીય પિંગળા દગો આપતી હશે) પ્રકૃતિનો નિયમ છે.જેટલો હીંચકો આગળ જાય એટલોજ પાછળ જતો હોય છે. સાચો નાસ્તિક માણસ જ સાચો આસ્તિક બનીશકે છે આવી રીતે અતિ મોહમાં બંધાયેલો માણસ જ મોહભંગ થતા સાચો વૈરાગી બનીશકે છે.

અહીં આપણે આ વિષય પરનાં અમુક ચુંટેલા મુક્તકોનો આસ્વાદ માણીશું. ભર્તૃહરિએ શૃંગારશતકની શરૂઆત કામદેવને નમસ્કાર કરીને કરી છે. આ શતકમાં શરૂઆતના કેટલાક મુક્તકોમાં સ્ત્રી પ્રશંસા નું રસિક વર્ણન આપેલું છે. પુરુષને પરવશ કરવા સ્ત્રીનું રૂપ અને તેની શૃંગારિક ચેસ્ટાઓ કામદેવનું અમોઘ શસ્ત્ર છે. સ્ત્રીનું સ્મિત, હાવભાવ, લજ્જા, ભીરુતા, કટાક્ષ વગેરે મનુષ્યને સંમોહિત કરીને બાંધી લે છે. આ કારણે જ મહાકવિ કાલિદાસે તેને “સુકુમાર પ્રહરણ”, એટલે કે ’અત્યંત સુકોમલ શસ્ત્ર’ કહ્યું છે !

शंभुस्वयंभुहरयो हरिणेक्षणानां

येनाक्रियन्त सततं गृहकुम्भदासा: ।

वाचामगोचरचरित्रविचित्रताय

तस्मै नमो भगवते मकरध्वजाय ॥१॥

“જેણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને હંમેશ માટે મૃગનયની સુંદરીઓના, ઘરકામ કરનાર દાસ બનાવી દીધા હતા અને વાણી પણ  જેના વિચિત્ર ચરિત્રનો પાર પામી શકતી નથી તેવા, મકરધ્વજ સ્વરૂપ કામદેવને નમસ્કાર.”

અહીં કવિએ કામદેવ માટે ’મકરધ્વજ’ એટલે કે મગરરૂપ શબ્દ વાપર્યો છે. જેમ મગરની પકડમાંથી કોઇ બચી શકતું નથી, તેમ કામદેવની પકડમાંથી દેવ,દાનવ કે માનવ કોઇ બચી શકતું નથી.

वकत्रं चन्द्रविकासि पङ्कजपरिहासक्षमे लोचने

वर्ण: स्वर्णमपाकरिष्णुरलिनीजिष्णु: कचानां चय: ।

वक्षोजाविभकुम्भविभ्रमहरौ गुवीं नितम्बस्थली

वाचां हारि च मार्दवं युवतिषु स्वाभाविकं मण्डनम् ॥५॥

“ચંદ્રના જેવું પૂર્ણ ખીલેલું મુખ, કમલની શોભાને શરમાવે તેવાં નેત્રો, સુવર્ણના જેવો સુંદર વર્ણ, ભ્રમર જેવા કાળાભમ્મર કેશપાશ, હાથીના ગંડસ્થળ જેવા સ્તનો, ભારે નિતમ્બો અને વાણીની મનોહારી મધુરતા – આ બધું જ યુવતીઓનું સ્વાભાવિક આભુષણ છે.”

 दृष्टव्येषु किमुत्तमं मृगदृश: प्रेमप्रसन्नं मुखं

धातव्येष्वपि किं तदास्यपवन: श्राव्येषुं किं तद्वच: ।

किं स्वाद्येषु तदोष्ठपल्लवरस: स्पृश्येषुं किं तद्वपु:

ध्येयं किं नवयौवनं सह्रदयै: सर्वत्र तदविभ्रम: ॥७॥

“(આ જગતમાં) સહ્રદય મનુષ્યોએ જોવા લાયક વસ્તુઓમાં ઉત્તમ શું ? મૃગનયનીઓનું પ્રેમથી પ્રસન્‍ન મુખ. સુંઘવા યોગ્ય શું ? તેણીના મુખમાંથી નીકળતો શ્વાસ. સાંભળવા જેવું શું ? તેણીનાં (મધુર) વચનો. આસ્વાદ કરવા જેવું શું ? તેણીનાં સુકોમલ અધરોનો રસ. સ્પર્શ કરવા લાયક શું ? તેણીની કાયા. અને સર્વત્ર ધ્યાન કરવા યોગ્ય શું છે ? તે (સુંદરી)નું નવયૌવન અને તેણીનાં વિલાસો.”

नूनं हि ते कविवरा विपरीतवाचो

ये नित्यमाहुरबला इति कामिनीस्ता: ।

याभिर्विलोलतरतारकदृष्टिपातै:

शक्रादयोऽपि विजितास्त्वबला: कथं ता: ॥१०॥

“કવિવરો તો ખોટી વાતો કરનારા છે. કારણ કે તેઓ કામિનીઓને હંમેશા ’અબલા’ એવું નામ આપે છે. પરંતુ જેઓએ પોતાનાં ચંચલ નેત્રના કટાક્ષોથી ઇંદ્ર વગેરે (દેવો)ને પણ જીતી લીધા હતા, તેઓ ’અબલા’ કેવી રીતે ગણાય ?”

सति प्रदीपे सत्यग्नौ सत्सु तारामणीन्दुषु ।

विना मे मृगशावाक्ष्या तमोभूतमिदं जगत्‌ ॥१४॥

“દીપક અને અગ્નિ હોવા છતાં, તેમજ તારાઓ, મણિઓ (રત્નો) અને ચંદ્ર હોવા છતાં મૃગબાળનાં જેવાં નયનોવાળી મારી પ્રિયતમા વિના, આ જગત મારા માટે અંધકારમય છે.”

तस्यास्तनौ यदि धनौ जघनं च हारि

वक्त्रं च चारु तव चित्त किमाकुलत्वम्‌ ।

पुण्यं कुरुष्व यदि तेषु त्वास्ति वाञ्छा

पुण्यैर्विना न हि भवन्ति समीहितार्था: ॥१८॥

“તે સુંદરીનાં સ્તનો પુષ્ઠ છે અને મનોહારી નિતંબ છે, તેમજ મુખ સુંદર છે. તો હે મન ! તને વ્યાકુળતા શા માટે થાય છે ? જો તને તેને મેળવવાની ઇચ્છા હોય તો પુણ્ય કર. કારણ કે પુણ્ય કર્યા વિના ઇચ્છિત પદાર્થો મળતા નથી.”

આમ તો શૃંગારશતકમાં આ વિષયનાં લગભગ ૨૦ જેટલા શ્લોકો છે. અહીં આપણે  વિવિધતા સભર એવા થોડા જ લીધા છે. આટલાથી પણ તેનું સંપૂર્ણ માધુર્ય સમજમાં આવી જાય છે.

Leave A Reply

Your email address will not be published.