શુ તમે જાણો છો? ભારતના બંધારણ વિશે
ભારતદેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક, સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે જેનું સંચાલન, દિશાનિર્દે
ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક, સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે. જેનું સંચાલન, દિશાનિર્દેશન, તમામ કાયદાઓનો સંગ્રહ કે સર્વોચ્ચ કાયદો એ ભારતનું બંધારણ છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે. મૂળ અપનાવાયેલા બંધારણમાં ૨૨ ભાગો, ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવેલ છે.
૪૨માં સંશોધન પૂર્વે ભારતના બંધારણની પ્રસ્તાવના.
ભારતનું બંધારણ કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું, જેમાં ૨૦૨૦માં સુધારો કરતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે.
ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતા સૌથી મોટું લેખિત બંધારણ છે.તેમાં અત્યારે ૪૬૫ અનુચ્છેદ અને ૧૨ અનુસૂચિઓ છે. તે કુલ ૨૫ ભાગોમાં વિભાજીત છે. નિર્માણ સમયે મૂળ બંધારણમાં ૩૯૫ અનુચ્છેદ, ૨૨ ભાગો અને ૮ અનુસૂચિ હતી. બંધારણમાં ભારત સરકારના સંસદીય સ્વરુપનું માળખુ તૈયાર કરવામાં આવ્યું છે જેનું સ્વરુપ કેટલાક અપવાદોને બાદ કરતા સંઘીય પ્રણાલી આધારિત છે. કેન્દ્રની સર્વોચ્ચ સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણની કલમ ૭૯ અનુસાર કેન્દ્રની સંસદીય પરિષદમાં રાષ્ટ્રપતિ તથા બે સભાઓ છે જેમાં લોકો દ્વારા સીધા ચૂંટાયેલા સાંસદોની સભા લોકસભા અને રાજ્યો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભા રાજ્ય સભા છે. બંધારણની કલમ ૭૪ (૧)માં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની સહાયતા તથા તેને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ હશે જેના પ્રમુખ વડાપ્રધાન હશે, રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરે છે.
ભારતના દરેક રાજ્યમાં એક વિધાન સભા અથવા ધારાસભા પણ હોય છે જે લોકસભા હેઠળ કાર્ય કરે છે. જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ઉપરી સભા પણ છે જેને વિધાન પરિષદના નામે ઓળખવામાં આવે છે. રાજ્યપાલ એ દરેક રાજ્યના વડા છે. જ્યારે મુખ્ય મંત્રી એ મંત્રીમંડળના વડા છે. મંત્રીમંડળ સામૂહિક રીતે ધારાસભા કે વિધાનસભા દ્વારા નક્કી થાય છે અને એ સભામાં જે ઠરાવો થાય તે મુજબ કાર્ય કરે છે અને એ મંત્રીઓ પણ એ સભાનો જ એક ભાગ છે. સભાની બેઠકના અધ્યક્ષ અલગથી નિમવામાં આવે છે જેની જવાબદારી વિધાનસભાની બેઠકનું સંચાલન કરવાની છે અને તે કોઇ કારણોસર કોઇપણ ધારાસભ્યને ચોક્કસ સમય સુધી વિધાનસભા/ધારાસભાની બેઠકમાં પ્રતિબંધિત પણ કરી શકે છે.બંધારણના સાતમાં અનુચ્છેદમાં સંસદસભ્યો અને ધારાસભ્યોના અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશો સીધા જ કેન્દ્ર સરકાર હેઠળ કેન્દ્રના દિશાનિર્દેશન મુજબ કાર્ય થાય છે.
ઈ.સ. ૧૬૦૦માં એલિઝાબેથ પ્રથમના ચાર્ટર એક્ટ દ્વારા ભારતમાં અંગ્રેજોની ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ને વ્યાપાર કરવાનો પરવાનો પ્રાપ્ત થયો. ૧૭૬૫માં કંપનીને બંગાળ, બિહાર અને ઉડિસામાં દીવાની સત્તા પ્રાપ્ત થઈ અને આ સાથે જ અંગ્રેજોના અપ્રત્યક્ષ શાસનનો પ્રારંભ થયો. વિભિન્ન અધિનિયમોના ક્રમિક સુધારા દ્વારા બંધારણ નિર્માણની પ્રક્રિયા શરુ થવા પામી. ૧૯૪૬માં બંધારણ સભાની રચનાથી તેની ઠોસ શરુઆત થઈ. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક પૂર્ણ સંસદીય પ્રજાસત્તાક બન્યું.
રેગ્યુલેટિંગ એક્ટ, ૧૭૭
ભારતમાં અંગ્રેજો દ્વારા પસાર કરવામાં આવેલ આ પહેલો એક્ટ હતો. જે અંતર્ગત ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સંસદીય નિયંત્રણની શરુઆત થઈ. આ ધારો ભારતમાં અંગ્રેજોના શાસનને દૃઢ કરવામાં અને વહિવટીય કેન્દ્રિકરણની દિશામાં પહેલું કદમ હતો. આ કાયદા દ્વારા ૧૭૭૪માં બંગાળમાં એક સર્વોચ્ચ ન્યાયલયની સ્થાપના કરવામાં આવી હતી. તથા બંગાળના ગવર્નરને અંગ્રેજી આધિપત્ય ધરાવતા તમામ ક્ષેત્રોના ગવર્નર નિયુક્ત કરાયા હતા.
પિટનો ઈન્ડિયા ધારો, ૧૭૮૪
આ ધારા અન્વયે કંપનીને માત્ર વ્યાપાર અને વાણિજ્યની જવાબદારી સોંપવામાં આવી તથા રાજકીય બાબતો બ્રિટન સરકાર હસ્તગત લેવામાં આવી.
ચાર્ટર અધિનિયમ ૧૭૯૩
અધિનિયમ ૧૭૯૩ દ્વારા ૨૦ વર્ષની અવધિ માટે કંપનીનો વ્યાપારિક પરવાનો તાજો કરવામાં આવ્યો.
ચાર્ટર અધિનિયમ ૧૮૧૩
આ અધિનિયમ અન્વયે કંપનીનો વ્યાપારિક પરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો. તથા તમામ બ્રિટીશ નાગરિકો માટે ભારતીય બજારને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. તેમજ ધર્મ પ્રચારકોને ભારતમાં પ્રચારની છૂટ આપવામાં આવી હતી. મદ્રાસ, મુંબઈ અને કલકત્તાની કાઉન્સિલોની સત્તા વધારવામાં આવી.
ચાર્ટર અધિનિયમ ૧૮૩૩
બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા જે અંતર્ગત લૉર્ડ વિલિયમ બેન્ટીક ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ નિયુક્ત થયા હતા. આ અધિનિયમ દ્વારા ઈસ્ટ ઈન્ડિયા કંપનીની તમામ વ્યાપારિક ગતિવિધિઓને બંધ કરી દેવામાં આવી હતી. ભારતમાં દાસપ્રથાને ગેરકાનૂની જાહેર કરાઈ.
ચાર્ટર અધિનિયમ ૧૮૫૩
ચાર્ટર અધિનિયમો પૈકીના અંતિમ અધિનિયમ અંતર્ગત ભારતમાં સિવિલ સેવાનો પ્રારંભ થયો. વિધાન પરિષદની રચના કરવામાં આવી. ગવર્નર જનરલની પરિષદના વૈધાનિક અને કાર્યકારી કાર્યોને પૃથક કરવામાં આવ્યા હતા.
ભારત શાસન અધિનિયમ ૧૮૫૮
૧૮૫૭ના વિપ્લવના પ્રત્યાઘાતરૂપે બ્રિટિશ સંસદ દ્વારા ‘ધ એક્ટ ફોર ધ ગુડ ગવર્મેન્ટ ઓફ્ ઈન્ડિયા’ ધારો ૧૮૫૮ પસાર કરવામાં આવ્યો. જે અંતર્ગત બૉર્ડ ઓફ કંન્ટ્રોલ અને બૉર્ડ ઓફ્ ડાયરેક્ટરને સમાપ્ત કરી સમગ્ર ભારતને બ્રિટીશ સંસદના સીધા શાસન હેઠળ મુકવામાં આવ્યું. તથા લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ વાઈસરોય બન્યા.
ભારતીય પરિષદ અધિનિયમ ૧૮૬૧
આ કાયદા અન્વયે નીતિવિષયક સુધારા અમલમાં આવ્યા. આ એક્ટ ભારતના બંધારણમાં એક સીમાચિહ્ન છે. કાઉન્સિલમાં હિંદના લોકોને પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવાની છૂટ મળી. ગવર્નર જનરલની વૈધાનિક સત્તાઓનું વિકેન્દ્રીકરણ થયું. કેન્દ્ર તથા અન્ય પ્રાન્તોમાં વિધાનપરિષદોની સ્થાપના કરવામાં આવી.
ભારતીય પરિષદ અધિનિયમ ૧૮૯૨
કેન્દ્રીય તથા પ્રાંતીય પરિષદોના આકાર અને કાર્યક્ષેત્રમાં વધારો કરવામાં આવ્યો. કાઉન્સિલોને અમુક નિયમો, શરતો તથા મર્યાદામાં રહીને અંદાજપત્ર તથા વાર્ષિક નાણાકીય નિવેદન કરવાની છૂટ મળી. પરિષદના સભ્યોને પ્રશ્ન પૂછવાનો અધિકાર મળ્યો.
ભારતીય પરિષદ અધિનિયમ ૧૯૦૯
આ અધિનિયમ મોર્લે-મિન્ટો સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અંતર્ગત કાઉન્સિલોનું વિસ્તરણ કરવામાં આવ્યું. ઈન્ડિયન લેજીસ્લેટીવ કાઉન્સિલની સભ્ય સંખ્યા ૧૬ થી વધારીને ૬૦ કરવામાં આવી. આ ધારા હેઠળ સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો. જે અંતર્ગત મુસ્લિમો માટે અલગ પ્રતિનિધિત્ત્વની જોગવાઈ કરવામાં આવી.
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૧૯
આ અધિનિયમ મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખાય છે. ‘જવાબદાર સરકાર અને સ્વશાસનલક્ષી સંસ્થાઓનો વિકાસ’ના પાયા પર આધારિત આ એક્ટ દ્વારા બંધારણીય પ્રથામાં અગત્યના ફેરફારો થયા. જેમાં ઈન્ડિયન લેજેસ્લેટીવ કાઉન્સિલના સ્થાને ઊપલું ગૃહ અને નીચલું ગૃહ ધરાવતું દ્વિગૃહી વિધાનમંડળ અસ્તિત્વમાં આવ્યું. આંગ્લ-ભારતીય, શિખ તથા યુરોપીય અને ઈસાઈઓને અલગ પ્રતિનિધિત્ત્વ આપવામાં આવ્યું. ક્ષેત્રીય વિષયોને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા : આરક્ષિત અને હસ્તાંતરિત. આરક્ષિત વિષયો ગવર્નર પાસે રહેતા જ્યારે હસ્તાંતરીત વિષયો ભારતીય મંત્રીઓ પાસે રહેતા.
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૫
આ એક્ટને ભારતીય સંવૈધાનિક વિકાસના અંતિમ ચરણ તરીકે જોવામાં આવે છે. જેમાં બ્રિટીશ હકૂમત હેઠળના પ્રદેશો તથા દેશી રજવાડાંના બનેલા ભારતીય મહાસંઘ અથવા અખિલ ભારતની સંકલ્પના રજૂ કરવામાં આવી. આ અધિનિયમ અંતર્ગત પ્રાંતોમાં દ્વિશાસનનો અંત કરવામાં આવ્યો તથા પ્રાંતીય સ્વાયતતાની શરૂઆત કરવામાં આવી. કેન્દ્રીય અદાલતની સ્થાપનાની કરવામાં આવી તથા આ અદાલતના નિર્ણય વિરુદ્ધ અપીલ લંડનની પ્રીવી કાઉન્સિલ કરવાની જોગવાઈ કરવામાં આવી.
રાષ્ટ્રીય આંદોલન અને બંધારણ વિકાસ
૧૯૩૫ના અધિનિયમ બાદ રાષ્ટ્રીય આંદોલનોની સાથે જ બંધારણ વિકાસની પ્રક્રિયા અપ્રત્યક્ષરૂપે આગળ વધતી રહી. ૧૯૨૩માં દિલ્હી ખાતે આયોજીત સર્વદલીય સંમેલનમાં ‘કોમનવેલ્થ ઓફ્ ઈન્ડિયા બીલ’ દ્વારા બંધારણના આવશ્યક તત્ત્વોની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી. આ પહેલો સંગઠિત પ્રયાસ હતો. ૧૯૩૪માં કોંગ્રેસે શ્વેતપત્ર દ્વારા વયસ્ક મતાધિકાર અને બંધારણ સભાની રચનાની માંગ કરી.૧૯૪૦માં ઑગષ્ટ પ્રસ્તાવ દ્વારા તત્કાલીન વાઈસરોય લૉર્ડ લિનલિથગોએ વિશ્વયુદ્ધ બાદ બંધારણ સભાના નિર્માણની ખાતરી આપી. ૧૯૪૨માં કેબીનેટ મંત્રી સર સ્ટેફોર્ડ ક્રિપ્સની અધ્યક્ષતામાં કિપ્સ મિશન ભારત મોકલવામાં આવ્યું પરંતુ બધા જ રાજકીય પક્ષોએ તેની દરખાસ્તોને જુદાં જુદાં કારણોસર ફગાવી દીધી. કોંગ્રેસને દેશના ભાગલા પડી જવાની શક્યતા જણાતા આ દરખાસ્તને ‘પાછલી તારીખનો ચેક’ કહી વખોડી કાઢી હતી. ૧૯૪૫માં તત્કાલીન વાઈસરોય લૉર્ડ વેવેલ એ ૨૫ જૂનના રોજ શિમલા ખાતેના સંમેલનમાં હિંદવાસીઓ પોતાનું બંધારણ જાતે ઘડે ત્યાં સુધી કામચલાઉ વ્યવસ્થા તરીકે હિંદુઓ અને મુસ્લિમોની સમાનતાના ધોરણે એક્ઝિક્યૂટિવ કાઉન્સિલમાં સમાવેશ કરવાની ‘વેવેલ યોજના’નો પ્રસ્તાવ રજૂ કર્યો. કોંગ્રેસની અખંડ હિંદુસ્તાનની માંગ અને મુસ્લિમ લીગની પૃથક પાકિસ્તાનને માંગણીને કારણે આ વાટાઘાટો પણા નિષ્ફળ ગઈ. વેવેલ યોજનાની નિષ્ફળતા બાદ ૧૯૪૬માં ભારતના રાજનૈતિક ગતિરોધને દૂર કરવા કેબિનેટ મિશનને ભારત મોકલવામાં આવ્યું. પૈથિક લૉરેન્સ, સર સ્ટેફોર્ડ ક્રિપ્સ અને એ.વી.એલેક્ઝાંડરની સદસ્યતાવાળા આ મિશને બંધારણ સભાના ગઠનની ખાતરી આપી. બ્રિટીશ ભારત અને દેશી રાજ્યોના સંગઠનથી ભારતીય સંઘ બનાવવો. વિદેશી બાબતો, સંરક્ષણ, સંચાર જેવા વિષયો સંબંધિત સત્તા આપવી. કેન્દ્રીય કારોબારીતંત્ર અને વિધાનમંડળની રચના કરવી જેમાં બ્રિટીશ ભારત અને દેશી રજવાડાંને પ્રતિનિધીત્ત્વ આપવું. વચગાળાની સરકારની રચના કરવી વગેરે કમિશનની મુખ્ય ભલામણો હતી. ૨૪ ઑગષ્ટ ૧૯૪૬ના રોજ વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવી. જવાહરલાલ નહેરૂના નેતૃત્ત્વમાં ૧૧ સહયોગી સદસ્યોની સાથે ૨ સપ્ટેમ્બર ૧૯૪૬ના દિવસે સરકાર રચાઈ. ડિસેમ્બર ૧૯૪૬માં ડૉ. રાજેન્દ્રપ્રસાદની અધ્યક્ષતામાં બંધારણ સભાનું ગઠન કરવામાં આવ્યું. મુસ્લિમ લીગ દ્વારા બંધારણ સભાની રચનાનો વિરોધ કરાયો અને અલગ પાકિસ્તાનની માંગ કરવામાં આવી. રાજકીય ગતિરોધના કારણે સત્તાનું હસ્તાંતરણ ગુંચવાળાભર્યું બન્યું. દેશમાં પ્રવર્તી રહેલાં આંતરવિગ્રહ, અરાજકતા અને અંધાધૂધીને કારણે કોંગ્રેસ દેશના ભાગલાના વિકલ્પને અનિવાર્યપણે સ્વીકાર કરવા તૈયાર થઈ. ૧૯૪૭માં તત્કાલીન વાઈસરોય માઉન્ટબેટન દ્વારા વિભાજનની રૂપરેખા ઘડવામાં આવી. માઉન્ટબેટન યોજના પર સહમતિ બાદ બ્રિટીશ સંસદ દ્વારા ભારતીય સ્વતંત્રતા અધિનિયમ, ૧૯૪૭ (ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ, ૧૯૪૭) પારિત કરવામાં આવ્યો. ૧૮ જુલાઈ ૧૯૪૭ના રોજ આ અધિનિયમને બ્રિટનની મહારાણીએ સ્વિકૃતિ પ્રદાન કરી. જેના પરિણામરૂપે ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ ના દિવસે ભારત અને પાકિસ્તાન નામના બે ડોમેનિયન સ્ટેટ્સની સ્થાપના કરવાનું નક્કી કરાયું.
પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણના અંતિમ મુસદ્દાને ડૉ. રાજેન્દ્રપ્રસાદને સોંપી રહ્યા છે. (૨૫ નવેમ્બર ૧૯૪૯)
જવાહરલાલ નહેરુ બંધારણ પર હસ્તાક્ષર કરી રહ્યા છે.
બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને ‘બંધારણા સભા’ કહે છે. આ સભાની કુલ સભ્ય સંખ્યા ૩૮૯ હતી. જે પૈકી ૨૯૨ પ્રતિનિધિઓ બ્રિટિશ હિંદના ૧૧ પ્રાંતોની વિધાનસભાઓથી, ૯૩ પ્રતિનિધિઓ દેશી રજવાડાંના તથા ૪ પ્રતિનિધિઓ ચીફ કમિશ્નરોના ચાર પ્રાંત દિલ્હી, અજમેર-મારવાડ, કૂર્ગ અને બ્રિટિશ બલૂચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલ હતાં. પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જુલાઈ ૧૯૪૬માં બંધારણ સભાની રચના માટે યોજાયેલી ચૂંટણીઓમાં કુલ ૩૮૯ સ્થાન પૈકી ૨૯૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ. જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસને ૨૦૮ બેઠકો મળી હતી જ્યારે મુસ્લિમ લીગના ફાળે ૭૩ બેઠકો આવી હતી. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સમિતિઓ અને ૧૧ પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા પરંતુ બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર પર હતી.
કાયદા સંબંધિત સમિતિઓ
પ્રારૂપ સમિતિ : ૭ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકર હતા. અન્ય સભ્યોમાં મો. સાદુલ્લા, કે.એમ.મુન્શી, એ.કે.એસ.ઐયર, બી.એલ.મિત્તર, એન.ગોપાલાસ્વામી આયંગર તથા ડી.પી.ખેતાનનો સમાવેશ થાય છે.
કેન્દ્ર શક્તિ સમિતિ : ૯ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરૂ હતા.
રાજ્ય વાર્તા સમિતિ : અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ
મુખ્ય કમિશ્નરી પ્રાંતો સંબંધિત સમિતિ :
સર્વોચ્ચ ન્યાયાલય સંબંધિત સમિતિ :
સંઘ બંધારણ સમિતિ : ૧૫ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરૂ હતા.
મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ : ૫૪ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા.
ક્ષેત્રીય બંધારણ સમિતિ : ૨૫ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા.
બંધારણ પ્રારૂપ નિરિક્ષણ સમિતિ : અધ્યક્ષ એ.કે.એસ.ઐયર
ભાષાકીય પ્રાંત સમિતિ :
રાષ્ટ્રધ્વજ સમિત :
આર્થિક વિષયો સંબંધિત વિશેષજ્ઞ સમિતિ :
પ્રક્રિયા સંબંધિત સમિતિઓ
સંચાલન સમિતિ : અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ
કાર્ય સંચાલન સમિતિ : ૩ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ કનૈયાલાલ મુનશી હતા. અન્ય સભ્યોમાં ગોપાલાસ્વામી આયંગર અને વિશ્વનાથ દાસનો સમાવેશ થાય છે.
હિંદી અનુવાદ સમિતિ :
સભા સમિતિ :
નાણાં તેમજ અધિકરણા સમિતિ :
ઉર્દૂ અનુવાદ સમિતિ :
કાર્ય આદેશ સમિતિ :
પ્રેસ દીર્ઘા સમિતિ :
ભારતીય સ્વતંત્રતા અધિનિયમ આકલન સમિતિ :
ક્રેડેન્શીયલ સમિતિ :
ઝંડા સમિતિ : અધ્યક્ષ જે બી કૃપલાણી
બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ સંસંદ ભવનમાં મળી હતી. ડૉ. સચ્ચિદાનંદ સિન્હાને સર્વસંમતિથી બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સભાની દ્વિતીય બેઠક ૧૧, ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ મળી હતી. જેમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદની સ્થાયી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. બંધારણ સભાની તૃતીય બેઠક ૧૩, ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ મળી હતી. સભાનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો. જેના પર ૧૯ ડિસેમ્બર સુધી વિશદ ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યા અને અંતે, ૨૨ જાન્યુઆરી ૧૯૪૭ ના રોજ તેને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો. ભારતીય બંધારણની પ્રથમ આવૃત્તિ ફેબ્રુઆરી ૧૯૪૮માં પ્રકાશિત કરવામાં આવી હતી. ઓક્ટોબર ૧૯૪૮માં તેની બીજી સંવર્ધિત આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી. જેમાં બંધારણ સભાના કુલ ૨૯૯ સભ્યો પૈકી હાજર ૨૮૪ સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા. બંધારણા ઘડવા માટે ૬૩,૯૬,૭૨૯ રૂ. (લગભગ ૬૪ લાખ) નો ખર્ચ થયો હતો. બંધારણ નિર્માણનું કાર્ય કૂલ ૧૧ અધિવેશનોમાં કરવામાં આવ્યું હતું. આ કાર્ય માટે ૬૦ જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. પૂર્ રીતે બંધારણ ઘડવા માટે ૨ વર્ષ, ૧૧ માસ અને ૧૮ દિવસનો સમય લાગ્યો હતો. આમ, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું.
સંરચના
પ્રસ્તાવના
“અમે ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, પંથનિરપેક્ષ, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરી, તેના સમસ્ત નાગરિકો માટે સામાજિક, આર્થિક, અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને અવસરની સમાન પ્રાપ્તિ માટે, તથા તેમાં નિહિત વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરનાર ભ્રાતૃભાવ વિકસાવવાનો નિષ્ઠાપૂર્વકનો સંકલ્પ વ્યક્ત કરી આ બંધારણ સભામાં આજે તારીખ ૨૬-૧૧-૧૯૪૯ ના રોજ અંગીકૃત કરીએ છીએ.”
પ્રસ્તાવના એ ભારતીય બંધારણના સૌથી મહત્ત્વપૂર્ણ અંગ પૈકીનું એક છે. તે બંધારણના ઉદ્દેશ્ય તથા લક્ષ્યને નિર્ધારિત કરે છે. શરૂઆતમાં પ્રસ્તાવનાને બંધારણનો ભાગ ગણવામાં માનવામાં આવતો ન હતો તથા તેમાં સંશોધન માટે કોઈ જોગવાઈ રાખવામાં આવેલ ન હતી. જ્યાં બંધારણની ભાષા સંદિગ્ધ હોય ત્યાં પ્રસ્તાવનાની મદદ લેવામાં આવે છે. કેશવાનંદ ભારતી વિ. કેરળ રાજ્ય (૧૯૭૩) સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા બાદ પ્રસ્તાવનાને બંધારણનો ભાગ ગણવો કે કેમ? તથા તેમાં સંશોધન કરી શકાય કે કેમ? તે વિવાદનો ઉકેલ આવી ગયો છે. ૪૨મા બંધારણીય સુધારા દ્વારા પ્રસ્તાવનામાં “સમાજવાદી”, “બિનસાંપ્રદાયિક” અને “અખંડિત” શબ્દ જોડવામાં આવ્યા છે. પ્રસ્તાવના એ બંધારણને સમજવા તથા તેના સ્પષ્ટીકરણ માટેની અગત્યની ચાવી છે આથી તેને બંધારણની આત્મા પણ કહેવામાં આવે છે. તેની પ્રાથમિક ઉપયોગિતા એ છે કે બંધારણની જોગવાઈઓની અસ્પષ્ટતાની સ્થિતિમાં ન્યાયપાલિકાને માર્ગદર્શક સ્વરૂપે સહાયતા કરે છે.
ભારતીય બંધારણ વિશ્વનું સૌથી વિસ્તૃત બંધારણ છે. તે અમેરિકાના બંધારણની જેમ જ લેખિત સ્વરૂપમાં છે. જ્યારે બ્રિટન અને ઈઝરાયેલના બંધારણ અલેખિત છે. બંધારણ સ્વીકૃતિ સમયે તેમાં ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિ હતી. ૭૬મા બંધારણ સંશોધન બાદ ૪૪૫ અનુચ્છેદ, ૨૨ ભાગ અને ૧૨ અનુસૂચિઓમાં વહેંચાયેલું છે. અમેરિકાના બંધારણમાં ૭, કેનેડાના બંધારણમાં ૧૪૭, ઓસ્ટ્રેલિયાના બંધારણમાં ૧૨૮ તથા દક્ષિણ આફ્રિકાના બંધારણમાં ૨૫૩ અનુચ્છેદ છે. ભારતીય બંધારણની વિશાળતાનું મુખ્ય કારણ વિશ્વના પ્રમુખ દેશોના બંધારણના મહત્ત્વપૂર્ણ ઉપબંધોનો સમાવેશ છે.
ધર્મનિરપેક્ષતા એટલે પંથ, જાતિ, સંપ્રદાયના આધાર પર કોઈ પણ ધર્મના અનુયાયીથી ભેદભાવ ન રાખવો. ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષ રાજ્યનું અનુમોદન કરે છે. જે અનુસાર કોઈ પણ ધર્મને રાજધર્મ માનવામાં આવશે નહિ તથા કોઇ પણ ધર્મને સંરક્ષણ કે પ્રાથમિકતા આપવામાં આવશે નહિ. આમ, ભારતમાં કોઈ માન્ય કે સ્વીકૃત ધર્મ નથી. ૧૯૭૬માં ૪૨મા બંધારણ સંશોધન દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ જોડવામાં આવ્યો છે.
બંધારણની કઠોરતા અને લચીલાપણાનો આધાર તેમાં સંશોધન-ફેરફાર કરવાની જટિલતા પર આધારિત છે. એ દૃષ્ટિએ ભારતીય બંધારણમાં કઠોરતા અને લવચીકતાનો સમન્વય જોવા મળે છે. સંઘીય બંધારણના પ્રાવધાનોમાં સંશોધન પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. આથી તેને કઠોરતાની શ્રેણીમાં મૂકી શકાય. અનુચ્છેદ ૩૬૮ અનુસાર કેટલાક વિષયોમાં સંશોધન માટે સંસદના બન્ને સદનોમાં ઉપસ્થિત સભ્યોની બે તૃતિયાંશ બહુમતિ ઉપરાંત ઓછામાં ઓછા અડધા રાજ્યોના વિધાનમંડળોનુ સમર્થન પણ આવશ્યક છે. ઉદાહરણ સ્વરૂપે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે શક્તિ વિભાજન, રાષ્ટ્રપતિની ચયન પ્રક્રિયા બંધારણની કઠોરતા દર્શાવે છે. સામા પક્ષે કેટલાક વિધેયક સાધારણ બહુમત દ્વારા પણ સંશોધિત કરી શકાય છે. જે બંધારણની લવચીક બાજુનો પરિચય કરાવે છે.
બંધારણને એકતંત્રી કે સમવાયતંત્રી એમ બે ભાગમાં વિભાજીત કરી શકાય છે. અમેરિકાનું બંધારણ સમવાયતંત્રી છે જ્યારે બ્રિટનનું બંધારણા એકતંત્રી છે. એકતંત્રી બંધારણમાં બધી જ સત્તા કેન્દ્ર સરકારમાં સ્થાપિત હોય છે. જ્યારે સમવાયતંત્રમાં બંધારણ સર્વોપરી હોય છે. એક રીતે ભારતનું બંધારણ બંને પ્રકારનાં લક્ષણો ધરાવે છે માટે અર્ધસમવાયતંત્રી કહી શકાય. આકારની દૃષ્ટિએ સમવાયતંત્રી પણ યુદ્ધ કે કટોકટી દરમિયાન એકતંત્રી
લોકશાહી શાસનવ્યવસ્થા મુખ્યત્ત્વે બે પ્રકારની જોવા મળે છે. (૧) સંસદીય લોકશાહી અને (૨) પ્રમુખકેન્દ્રી લોકશાહી. ભારતીય બંધારણે બ્રિટિશ પદ્ધતિ અનુસારની સંસદીય શાસન વ્યવસ્થા અપનાવી છે. ભારત એક પ્રજાસત્તાક રાજ્ય છે અને તેના સર્વોચ્ચ પદ પર રાષ્ટ્રપતિ છે. પરંતુ અમેરિકી પ્રમુખકેન્દ્રી પ્રણાલિથી વિપરિત ભારતીય રાષ્ટ્રપતિ ફક્ત બંધારણીય વડા છે. વાસ્તવમાં તેઓ મંત્રીમડળના સલાહ-પરામર્શ અનુસાર કાર્ય કરે છે. આ ચુંટાયેલા પ્રતિનિધિ મંત્રીઓ નીચલા ગૃહ લોકસભાને પ્રતિ ઉત્તરદાયી હોય છે.જોકે બ્રિટનની સંસદથી વિપરિત ભારતીય સંસદ સાર્વભૌમ નથી આથી સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓનું ન્યાયપાલિકા દ્વારા સમીક્ષા-પુન:નિરિક્ષણ કરી શકાય છે.
સંસદીય સાર્વભૌમત્ત્વ અને ન્યાયતંત્રીય સર્વોપરીતા
બ્રિટનની સંસદીય પ્રણાલિમાં સંસદ સર્વોપરી છે જ્યારે અમેરિકી પ્રણાલિમાં ન્યાયાલય સર્વોપરી છે. બ્રિટનની સંસદ દ્વારા પારિત કાનૂનની ન્યાયિક સમીક્ષા કરી શકાતી નથી જ્યારે અમેરિકી પ્રણાલિમાં ન્યાયિક સમીક્ષા કરી શકાય છે. ભારતીય બંધારણમાં બન્નેનો કંઈક અંશે સમન્વય જોવા મળે છે. ભારતીય સંસદ તથા ન્યાયપાલિકા બંને પોતાના ક્ષેત્ર-દાયરામાં સર્વોપરી છે. ઉચ્ચતમ ન્યાયાલય સંસદમાં પસાર કરેલ કાયદાની સમીક્ષા કરી તેને ગેરબંધારણીય ઠેરવી શકે છે. એજ રીતે સંસદ પણ અમુક મર્યાદામાં બંધારણમાં સુધારાવધારા કરી શકે છે.
ભારતનો પ્રત્યેક નાગરિક કે જે ૧૮ વર્ષની આયુ પ્રાપ્ત કરી ચૂક્યો છે તે કોઈ પણ ધર્મ, જાતિ, શિક્ષા, લિંગ, ક્ષેત્ર, ભાષા, વ્યવસાય વગેરેના ભેદભાવ વગર મત આપવાનો અધિકારી રહેશે. ભારતીય બંધારણે સંસદીય પ્રણાલી અપનાવી હોવાથી સરકારની રચના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફતે કરવામાં આવે છે. આમ, પશ્ચિમના વિકસિત લોકતંત્રોની તુલનામાં શરૂઆતથી જ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર ખાસ નોંધપાત્ર છે. મૂળ બંધારણમાં પુખ્ત મતાધિકાર ૨૧ વર્ષ હતો, જે ૬૧ મા બંધારણીય સુધારા, ૧૯૮૯ થી ૧૮ વર્ષ કરવામાં આવ્યો.
ભારતનું બંધારણ સ્વતંત્ર ન્યાયપાલિકા ધરાવે છે. તેને ન્યાયીક સમીક્ષા કરવાની શક્તિઓ પ્રાપ્ત છે. ન્યાયપાલિકાની સ્વતંત્રતા માટે બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમ કે, ઉચ્ચ ન્યાયાલય તથા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણુંક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ન્યાયાધીશોના પદની સુરક્ષા. અમેરિકાની જેમ આપણે ત્યાં કેન્દ્ર અને રાજ્યો માટે પૃથક ન્યાયતંત્ર નથી.
આયરલૅન્ડના બંધારણથી પ્રેરિત માર્ગદર્શક સિદ્ધાંતો એ ભારતીય બંધારણનું બેજોડ લક્ષણ છે. તે પ્રજાતંત્રના આર્થિક, સામાજિક અને આર્થિક કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરે છે. આ સિદ્ધાંતો ન્યાયાલય દ્વારા અમલપાત્ર ન હોવા છતાં દેશના શાસનમાં નિર્દેશક છે. ભારતીય બંધારણના ભાગ-૪માં અનુચ્છેદ ૩૬ થી ૫૧માં આ સિદ્ધાંતો આપવામાં આવેલા છે.
એવી પ્રશાસનિક વ્યવસ્થા જે અંતર્ગત સમાજની પ્રત્યેક વ્યક્તિને વિકાસના સમાન અવસર પ્રાપ્ત થાય. સમાજવાદી રાજ્યનો મૂળ ઉદ્દેશ્ય સમાજની આર્થિક, રાજનૈતિક અને અધિકારિક સમાનતા સુનિશ્ચિત કરવાનો છે. બંધારણના મૂળ સ્વરૂપમાં તેનો ઉલ્લેખ નથી. ૧૯૭૬માં ૪૨મા બંધારણ સંશોધન દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે.
સમવાયતંત્રી બંધારણમાં મોટેભાગે બેવડું નાગરિકત્ત્વ જોવા મળે છે. એક્ દેશનું અને બીજું રાજ્યનું. જોકે આપણા દેશના બંધારણમાં અપવાદરૂપે સમગ્ર દેશ માટે સમાનરૂપે એકલ નાગરિકતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આ વ્યવસ્થા અનુસાર દેશનો કોઈ પણ નાગરિક નિર્બાધ રૂપે દેશના કોઈપણ ખૂણે વિચરણ કરી શકે છે, રહી શકે છે, કોઈ પણ સ્થળેથી ચૂંટણી લડી શકે છે. અમેરિકામાં બેવડી નાગરિકતાની વ્યવસ્થા છે.
મૂળ બંધારણમાં મૂળભૂત ફરજો વિશે કોઈ ઉલ્લેખ નથી. પરંતુ ડિસેમ્બર ૧૯૭૬માં ૪૨મા બંધારણ સંશોધન દ્વારા બંધારણમાં ભાગ-૪એ જોડવામાં આવ્યો. જે અંતર્ગત અનુચ્છેદ ૫૧(એ)માં મૂળભૂત ફરજોને વ્યાખ્યાયિત કરવામાં આવી છે.
જીવન, સ્વતંત્રતા, સમાનતા તથા વિકાસ જેવા પાયાના માનવ અધિકારો કે જેને ન્યાયપાલિકા દ્વારા સંરક્ષણ પ્રાપ્ત હોય, જેના અભાવમાં પ્રજાતંત્રની સ્થાપના શક્ય ન હોય. બંધારણના ભાગ-૩માં અનુચ્છેદ ૧૨ થી ૩૫ માં મૂળભૂત અધિકારો વિશે વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. આમ, મૂળભૂત અધિકારો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. બંધારણ આપણને સ્વતંત્રતા, સમાનતા, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, સંસ્કૃતિ અને શિક્ષા સંબંધી અધિકાર આપે છે.
ભારતીય બંધારણ પર વિવિધ દેશોના બંધારણની પ્રત્યક્ષ પરોક્ષ અસરો જોવા મળે છે. જોકે આ બંધારણનો સૌથી મોટો સ્રોત ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫ છે. ભારતીય બંધારણના કુલ ૩૯૫ અનુચ્છેદ પૈકી ૨૫૦ અનુચ્છેદ આ જ અધિનિયમમાંથી લેવામાં આવેલ છે.
પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો.