વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે, પણ પ્રતિકારથી જ તેનો અંત આવે છે.ઘટના ક્રમ છે કુદરતનો, ” પાનખર જીલી હોઈ એને જ વસંત આવે છે. ”

0

અમરેલીના કૃણાલ ભટ્ટની ધોરણ 10ની બોર્ડ પરીક્ષા વખતે જ એના પિતા ભરતભાઈને કેન્સર ડિટેકટ થયું અને તાત્કાલિક સર્જરી કરાવવાની થઈ. પરિવાર પર આવી પડેલી આફત વચ્ચે પણ કૃણાલે બોર્ડ પરીક્ષા આપી અને ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થયો.

ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ ચાલતો હતો એ જ વખતે પિતાનું કેન્સર સ્પ્રેડ થયું અને શરીરના બીજા ભાગમાં પણ ફેલાયું. ગુજરાત બહાર પણ સારામાં સારા અને નામાંકિત ડોકટરો પાસે સારવાર લીધી પણ પરિણામ શૂન્ય હતું. ભરતભાઇ પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. તેઓ કેન્સરગ્રસ્ત થયા એટલે આવક બંધ થઈ એની બીજી બાજુ સારવારમાં બધી જ બચત જતી રહી. પરિવાર પારાવાર પીડામાંથી પસાર થઈ રહ્યો હતો છતાં કૃણાલ હિંમત હાર્યા વગર અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ એનો અભ્યાસ આગળ વધારી રહ્યો હતો.

કુદરત પણ જાણે કે આ દીકરાની આકરી કસોટી કરતી હોય એમ ધો.12 સાયન્સના અત્યંત મહત્વના વર્ષમાં આવ્યો ત્યારે એ જે શાળામાં અભ્યાસ કરતો હતો એ શાળા જ વેંચાઈ ગઇ. નવું મેનેજમેન્ટ અને નવા શિક્ષકો આવ્યા. કૃણાલને ડોક્ટર બનવું હતું પણ એ માટેની NEETની તૈયારી કરાવી શકે એવા કોઈ શિક્ષકો નહોતા. મૂંઝાયેલા કૃણાલે રાજકોટમાં રહેલા એના મામા અંશુમાનભાઈ ત્રિવેદીને વાત કરી. રાજકોટની ધોળકિયા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મામાએ મનોમન નક્કી કર્યું કે કૃણાલને રાજકોટ લાવવો અને અહીંયા બાકી રહેલો અભ્યાસક્રમ પૂરો કરાવવો.

કૃણાલને એના મામા રાજકોટ લાવ્યા ત્યારે બોર્ડ પરીક્ષાને માત્ર 4 મહિના જેવો સમય બાકી હતો અને કૃણાલનો NEETનો ઘણો અભ્યાસક્રમ બાકી હતો. રાજકોટમાં મામા જે શાળામાં પ્રિન્સિપાલ હતા એ જ શાળાના અન્ય વિદ્યાર્થીઓની સાથે કૃણાલ NEETની તૈયારીમાં લાગી ગયો. રાજકોટ આવ્યાને હજુ તો 15 દિવસ પણ નહોતા થયા ત્યાં પિતાના અવસાનના સમાચાર આવ્યા એટલે કૃણાલ મામા સાથે પિતાની અંતિમવિધિ માટે અમરેલી ગયો.

સ્મશાનમાં પિતાનો અગ્નિદાહ ચાલુ હતો ત્યારે કૃણાલ પાસે બેસીને મામાએ કહ્યું, ‘બેટા, તારા પપ્પા હવે જતા રહ્યા છે. આપણી અત્યાર સુધીની બધી જ બચત ખર્ચાઈ ગઈ છે અને ઊલટાનું માથે બહુ મોટું દેવું પણ થઈ ગયું છે. અત્યારે તારા મમ્મી અને બહેનો પર જવાબદારી આવી ગઈ છે. તારે શુ કરવું એનો નિર્ણય તારે જ કરવાનો છે. હું ઈચ્છું છું કે તું તારા અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કર બાકીનું બધું અમે જોઈ લઈશું.’ કૃણાલે પણ મનમાં ગાંઠ વાળી કે ડોક્ટર બનીને પરિવારને પપ્પાની ગેરહાજરી ન સાલે એવું કંઇક કરવું છે.

અંતિમ સંસ્કાર પુરા કરીને હજુ ઘરે આવ્યા કે તરત જ પરિવારની પરવાનગી લઈને કૃણાલ એસ.ટી. બસમાં બેસી રાજકોટ આવવા રવાના થઈ ગયો. બપોરે પિતાના અંતિમ સંસ્કાર પૂરા થયા અને તે જ દિવસે સાંજે 4 વાગે કૃણાલ કલાસમાં બેસીને ભણી રહ્યો હતો. એક 17 વર્ષના દીકરાની કેવી સ્થિરતા! તેની સાથેના વિદ્યાર્થીઓને રિવિઝન ચાલતું હતું પરંતુ કૃણાલને તો ઘણો અભ્યાસક્રમ બાકી હતો એટલે ચોટલી બાંધીને લાગી ગયો. મામાએ કહેલું કે ‘બેટા, તને અર્ધસરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળશે તો તારી પાંચવર્ષની કોલેજ ફીના અંદાજીત 15 લાખ જેટલી રકમની હું લોન લઈને પણ વ્યવસ્થા કરી શકીશ એટલે એ ચિંતા ન કરતો.’ કૃણાલે મનમાં જ સંકલ્પ કરેલો કે મામા મારે તો સરકારી મેડિકલ કોલેજમાં જ પ્રવેશ મેળવીને તમારો એકપણ રૂપિયો ખર્ચાવા દેવો નથી.

પિતાની વિદાયના દુઃખને હૃદયમાં ધરબીને આ છોકરો રોજની 20-20 કલાક મહેનત કરતો. બાકીના ટોપિક શીખવા માટે સાયકલ લઈને શિક્ષક જે સમય આપે એ સમયે એના ઘરે જાય અને શીખે. ભગવાનને પણ કસોટીમાં કશું જ બાકી ન રાખવું હોય એમ પરીક્ષાના આગલા દિવસે જ આખા વિસ્તારમાં લાઈટ જતી રહી. મામાએ બે મોબાઈલની ટોર્ચ લાઈટ ચાલુ કરી અને એના અજવાળામાં બાકી રહેતા ટોપિક પુરા કર્યા.

કૃણાલે નિટની પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ મેળવ્યા અને રાજકોટની સરકારી મેડિકલ કોલેજમાં જ એડમિશન મળી ગયું. મેડિકલ કોલેજનો સ્ટુડન્ટ હોવા છતાં સાયકલ લઈને કોલેજ જતો. બે વર્ષ આવી જ રીતે કોલેજ ગયો હજુ હમણાં 2 દિવસ પહેલા જ બાઇક લીધું.

Leave A Reply

Your email address will not be published.